સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા 6 મહિનાથી મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે.
આ બિસ્માર રસ્તાના કારણે દરરોજ 10,000થી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અમિતભાઈ અને ધર્મેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, વર્ષોથી આ રસ્તો ખરાબ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેતી અને રોજગાર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં, ચોમાસામાં કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે વાહન ચલાવવું અશક્ય બની જાય છે. ઘણીવાર દર્દીઓ અને મુસાફરોને લાંબો ફેરો કરીને ગંતવ્ય સ્થાને પહોંચવું પડે છે.
જો આ 10 કિમીનો રસ્તો નવો બનાવવામાં આવે તો ટીંબા, ગોમટા, ખારવા અને બલદાણા જેવા પાંચથી વધુ ગામોના લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે હવે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
