સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરની અદાલતે કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ એક શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. થાનમાં રહેતા 30 વર્ષીય રાહુલભાઈ કનુભાઈ પારઘી નામના શખ્સને વર્ષ 2024 માં સુરેન્દ્રનગર અને તેની આજુબાજુના જિલ્લાઓમાંથી હદપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જોકે, આ શખ્સે સરકારી હુકમની ઐસીતૈસી કરીને સતત બીજી વખત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો, જેના આધારે થાન પોલીસે તેની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. આ કેસ થાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, કોર્ટે હદપારીના હુકમનો અનાદર કરવા બદલ રાહુલ પારઘીને દોષિત ઠેરવ્યો છે.
કોર્ટે કડક વલણ અપનાવતા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને 1,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. પોલીસ દ્વારા અગાઉના કેસની વિગતો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે હુકમનો ભંગ કરનાર આરોપીને જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે.
