સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી બદલાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે રણના અગરિયાઓની કમર તોડી નાખી છે. ખારાઘોડા, નિમકનગર અને કુડા સહિતના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓના જીવન નિર્વાહ પર મોટું સંકટ આવી પડ્યું છે.
રણમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે અનેક અગરિયાઓના ઝુંપડા ઉડી ગયા છે, જ્યારે પાણી ખેંચવા માટે વપરાતી કિંમતી સોલાર પેનલો ધરાશાયી થતા પ્રત્યેક અગરિયાને 20 થી 25 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
હાલ રણમાં મીઠું બહાર ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે જ વરસેલા વરસાદે મીઠાની ગુણવત્તા બગાડી નાખી છે. ભારે પવનને કારણે ઉડેલી રણની માટી તૈયાર મીઠાના અગરોમાં ભળી જતાં ઉત્પાદન ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોપાલ સોલ્ટ લિમિટેડના માલિક અને અગરિયા અગ્રણી વિક્રમ રબારીએ સરકારને રજૂઆત કરી છે કે, કાળી મજૂરી કરીને મીઠું પકવતા આ પરિવારોની વ્હારે આવી તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનનું વળતર ચૂકવી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
