સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ જોરાવરનગર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા અમીનાબેન સુલેમાનભાઈ માણેક પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલા ખુલ્લા વાડામાં દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે.
બાતમીના આધારે જોરાવરનગર પોલીસે મહિલા બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડામાં અલગ-અલગ બે જગ્યાએ જમીનમાં ખાસ ચોરખાના બનાવીને છુપાવેલો 515 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 1.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી મહિલા પોલીસને હાથ લાગી ન હતી, જેથી પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
