સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પ્રાથમિક અંદાજ મુજબ, આ કુદરતી આફતમાં કંપનીને 10 લાખ રૂપિયાથી વધુની આર્થિક ખોટ ગઈ છે.
વાવાઝોડાની અસરને પગલે જિલ્લાના કુલ 146 ગામોમાં વીજ સંકટ સર્જાયું હતું, જેમાંથી તંત્રએ રાત-દિવસ એક કરીને 135 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી દીધી છે.
ભારે પવનને કારણે ખેતીવાડી લાઈનના 54 વીજ પોલ ધરાશાયી થયા છે, જેનાથી સિંચાઈ વ્યવસ્થા પર માઠી અસર પડી છે. આ ઉપરાંત જિલ્લાના 4 મુખ્ય શહેરી વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા, જોકે GEB ની ટીમોએ ત્વરિત એક્શન મોડમાં આવીને શહેરોમાં રાબેતા મુજબ પુરવઠો શરૂ કરી દીધો છે. હાલમાં હજુ 11 ગામો એવા છે જ્યાં વીજ લાઈન ઠપ્પ છે અને ત્યાં સમારકામની કામગીરી ગતિમાં છે.
જિલ્લા PGVCL હેડ એન. એન. અમીન દ્વારા સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ અને ટેકનિકલ ટીમોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે આદેશ આપ્યો છે કે કોઈ પણ કર્મચારીએ ફરજનું સ્થળ છોડવું નહીં અને આખી રાત ફિલ્ડમાં રહીને કામગીરી ચાલુ રાખવી. તંત્રની આ તત્પરતાને કારણે બાકી રહેલા 11 ગામોમાં પણ વહેલી સવાર સુધીમાં વીજળી આવી જવાની શક્યતા સેવાઈ રહી છે. PGVCL ની આ કામગીરીની સ્થાનિક રહીશોએ પણ પ્રશંસા કરી છે.
