સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુળી અને ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા અને તળાવોના તળિયા દેખાવા લાગતા જનજીવન પ્રભાવિત થયું છે. ગઢડા, ખંપાળિયા, કુંતલપુર અને વડધ્રા જેવા ગામોમાં પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. કુંતલપુર જેવા ગામોમાં તો લોકોને પાણી વેચાતું લેવાની નોબત આવી છે.
બીજી તરફ, ચોટીલાના જસાપર અને નાનીયાણી વિસ્તારમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ માલ-ઢોર સાથે હિજરત શરૂ કરી દીધી છે. વર્ષ 2025માં મુખ્યમંત્રી દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે નર્મદા આધારિત સુજલામ સુફલામ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી હજુ સુધી લોકોને રાહત મળી નથી. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડે અથવા ખાલી થયેલા તળાવો ભરવાની વ્યવસ્થા કરે જેથી ગામડાઓ ખાલી થતા અટકે.
