Surendranagar Mayor | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને મહાનગરપાલિકા (SNMC)નો દરજ્જો મળ્યા બાદ, હવે શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તાના નવીનીકરણ અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ માટે અલગ-અલગ એજન્સીઓને (Agencies) કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ (Contract) આપવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરનો મહત્વકાંક્ષી મુખ્ય રિવરફ્રન્ટ (Surendranagar Riverfront) પ્રોજેક્ટ પણ અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતથી લઈને એમ.પી. શાહ સાયન્સ કોલેજ સુધી નિર્માણ પામી રહ્યો છે. આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની (Project) સાથે-સાથે શહેરમાં અન્ય મુખ્ય માર્ગોના વિકાસના કામો પણ હાલ પ્રગતિમાં છે.
જોકે, શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા આ વિકાસકામોમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને પગલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ( Surendranagar Municipal Corporation) પ્રથમ મેયર (Mayor) રાકેશ રાઠોડે એક્શન મોડમાં આવીને જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.
તેઓ મહાનગરપાલિકાની એન્જિનિયરોની (Engineers) આખી ટીમને સાથે રાખીને રસ્તાના કામોનું નિરીક્ષણ કરવા રૂબરૂ રોડ પર ઉતર્યા હતા. મેયરે સ્થળ પર જ કોન્ટ્રાક્ટરોને (Contractors) બોલાવીને કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ ન ચલાવી લેવાની અને કામમાં ફરજિયાતપણે ગુણવત્તા (Quality) જાળવી રાખવાની કડક તાકીદ કરી હતી.
આ ઉપરાંત, ચોમાસાનો વરસાદ (Rain) શરૂ થાય તે પહેલાં જ તમામ રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવા માટે એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને રિવરફ્રન્ટ વિસ્તારમાં દર વર્ષે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યા આ ચોમાસામાં ન નડે, તે માટે ચોક્કસ પ્લાનિંગ સાથેનું મજબૂત સ્ટ્રક્ચર (Structure) ઊભું કરવા સૂચના અપાઈ છે.
આ સમીક્ષા દરમિયાન મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર (Chief Engineer) કલ્પેશ ચૌહાણ પણ હાજર રહ્યા હતા, જેમને મેયર દ્વારા કામગીરી પર સતત સુપરવિઝન રાખવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
