Surendranagar Fodder Crisis | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે પશુપાલકો અને માલધારીઓની (Cattle Rearers) ચિંતામાં ભારે વધારો થયો છે. વરસાદના અભાવે સીમ વિસ્તાર અને વગડામાં ક્યાંય લીલું ઘાસ ઉગ્યું નથી. જેના કારણે પશુઓ માટે ચારાની અછત (Fodder shortage) સર્જાઈ છે.
માલધારીઓને પોતાના પશુઓનો જીવ બચાવવા માટે બજારમાંથી મોંઘા ભાવનો ઘાસચારો વેચાતો લેવાની ફરજ પડી રહી છે. હાલ બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેમાં લીલા ઘાસનો ભાવ પ્રતિ મણ (20 kg) ના 150 રૂપિયા અને સૂકા ખડનો ભાવ પ્રતિ મણના 500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સમગ્ર જિલ્લામાં આ પરિસ્થિતિને કારણે પશુપાલન (Animal Husbandry) કરવું ખૂબ જ કઠિન બની ગયું છે, જેમાં ખાસ કરીને વઢવાણ (Wadhwan) તાલુકામાં સૌથી વધુ ગંભીર અસર જોવા મળી રહી છે. વઢવાણ પંથકના ગ્રામ્ય તળાવો પણ સાવ ખાલીખમ થઈ જતાં પશુઓ માટે પીવાના પાણીની (Drinking Water) મોટી સમસ્યા ઊભી થઈ છે.
સીમમાં ચારો ન હોવાથી માલધારીઓ અત્યારે વ્યાજે નાણાં લાવીને કે દેવું કરીને પણ પશુઓને ઘાસચારો નાખવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ વધુ વણસતા હવે માલધારીઓએ સરકાર પાસે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની અને રાહત દરે લીલા-સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
વઢવાણના સ્થાનિક માલધારી કાનાભાઈ રબારીએ (Kana Rabari) પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, “અત્યારે પશુઓને ખવડાવવા માટે સીમમાં ખડ નથી અને પીવડાવવા માટે પાણી નથી. કુદરત રૂઠી છે ત્યારે હવે સરકારે અમારી સામે જોવું જ પડશે. જો સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની ડેપો શરૂ નહીં કરે અને સહાય નહીં આપે, તો માલધારીઓ માટે પશુઓનો નિભાવ કરવો અશક્ય બની જશે.” આ કપરી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓ હવે વહેલી તકે સરકારી તંત્ર તેમની વહારે આવે તેવી આશા રાખી રહ્યા છે.
