સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી પીપળી ચોકડી પાસે બજાણા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રામદેવ હોટલની પાછળ આવેલા બાથરૂમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,344 નાની બોટલો અને બિયરના 648 ટીન મળી કુલ 1,992 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો પીપળી ગામના 28 વર્ષીય યુવક આરીફખાન નસીબખાન મલેક દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ દારૂ રાજસ્થાનથી લાવીને હોટલ પાછળ છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાનો ધડાકો થયો છે.
પોલીસે કુલ 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરીફખાનની અટકાયત કરી છે. જ્યારે રેડ દરમિયાન હાજર નહીં મળેલા દીપારામ અને ભોમારામ લક્ષ્મણરામ વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
