લખતર તાલુકાના મોઢવાણા અને વણા ગામ વચ્ચે રેતી ભરેલું એક ડમ્પર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. માલવણ તરફથી સુરેન્દ્રનગર જઈ રહેલા આ ડમ્પરના ચાલકે રોડ પરના મોટા ખાડાને કારણે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ડમ્પર માર્ગની સાઈડમાં ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર નીચેથી નર્મદાની પાઈપલાઈન પસાર થતી હોવાથી વારંવાર રોડ બેસી જાય છે. માર્ગ પર પડેલા જીવલેણ ખાડાઓને કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વાહન ચાલકો અને રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા સત્વરે રોડનું લેવલિંગ કરી ખાડા પૂરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય.
