Dhrangadhra | ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર બેફામ કાર દોડાવવાની ઘટના સામે આવી છે. ફૂલગલી વિસ્તારમાં એક યુવકે (Car) પૂરઝડપે દોડાવી રહેણાંક વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. સ્થાનિકોએ સમયસર હસ્તક્ષેપ કરીને કાર રોકી પોલીસને જાણ કરી હતી, પરંતુ ચાલક પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો.
માહિતી મુજબ, શુક્રવારે મોડી સાંજે (GJ-13-AR-9189) નંબરની કાર લઈને નીકળેલા શખ્સે તુરાજ સિનેમા, (TCP Gate) અને આંબેડકર સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં જોખમી રીતે કાર દોડાવી હતી. રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ એકત્ર થઈ કારને અટકાવી અને પોલીસ કંટ્રોલ રૂમમાં (Police) જાણ કરી હતી. શહેર પોલીસને અગાઉથી પણ બેફામ કાર ચાલક અંગે ફરિયાદો મળી રહી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચાલક કાર મૂકી નાશી છૂટ્યો હતો. પોલીસે કાર કબજે લઈને અજ્ઞાત ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોપી બુટલેગર હોવાની સંભાવના છે અને તે વારંવાર રહેણાંક વિસ્તારમાં બેફામ કાર દોડાવી લોકોમાં ભય ફેલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ નરશીપરા વિસ્તારથી કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. હાલ ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે