ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભોપાભાઈ પાટડિયા અને તેમના પત્ની લીલાબેન ગત સોમવારે સવારે બાઈક પર ખરીદી કરવા નીકળ્યા હતા. જ્યારે તેઓ કુડા ચોકડી પાસે રોડ ક્રોસ કરવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક બેફામ ટ્રકના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લીલાબેનના પગ પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધ્રાંગધ્રા અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે માત્ર 1 દિવસની ટૂંકી સારવાર બાદ લીલાબેનનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના પતિ ભોપાભાઈએ ડમ્પર ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
