દસાડાના તળાવમાંથી બેફામ માટીની ખનીજ ચોરી
Dasada Mineral Theft | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ખનીજ માફિયાઓ (Mineral Mafias) નો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. હવે સરકારી મિલકતો અને ગામના તળાવો પણ સુરક્ષિત રહ્યા નથી.
જિલ્લાના દસાડા (Dasada) ગામના જાહેર તળાવમાંથી ખનીજ માફિયાઓ દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર બેફામ રીતે માટીની ચોરી (Soil Theft) કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. તળાવના પેટાળમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી માટી ખોદીને ખાનગી પ્લોટ અને ખાનગી સંપત્તિઓ પર નાખી કાળોબજાર કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ (Geology and Mining Department) ની રહેમનજર હેઠળ આ આખું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખનીજ માફિયાઓએ તળાવની અંદર જેસીબી મશીન (JCB Machine), ડમ્પરો (Dumpers) અને અન્ય હેવી મશીનરીઓ (Heavy Machinery) ઉતારી દીધી છે અને દિવસ-રાત બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે ગામનું તળાવ સંપૂર્ણપણે નાશ પામે તેવી ભીતિ સર્જાઈ છે.
આ ગંભીર બાબતે દસાડાના સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો (Complaints) કરવામાં આવી છે. તેમ છતાં, ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર (Local Police) દ્વારા કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ખનીજ ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક ઘોર નિંદ્રામાંથી જાગે, તળાવમાં ચાલતું ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરી દસાડાના તળાવને બચાવે.
