દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષે આયોજિત થતા ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ૧૪મા સમૂહલગ્નમાં ૩૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ત્યારે આ જ મંચ પરથી આગામી ૧૫મા સમૂહલગ્ન માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામના ગાયત્રી કેટરર્સવાળા લક્ષ્મણભાઈ મેણીયા, અલ્પેશભાઈ મેણીયા અને હસમુખભાઈ મેણીયા પરિવારે આવતા વર્ષના સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે.
આ જાહેરાત મુજબ, આગામી વર્ષે તમામ દીકરીઓનો સંપૂર્ણ કરિયાવર, હજારો લોકોનું ભોજન, મંડપ વ્યવસ્થા, સાઉન્ડ તેમજ લગ્ન પ્રસંગે થનારા તમામ નાના-મોટા ખર્ચ મેણીયા પરિવાર તરફથી કરવામાં આવશે. સમાજના હિતમાં લેવાયેલા આ મોટા નિર્ણયને મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ હૃદયપૂર્વક વધાવ્યો હતો અને અલ્પેશભાઈ મેણીયાનું વિશેષ સન્માન કર્યું હતું.
પ્રજાપતિ સમાજના દરેક સેવાકીય કાર્યોમાં મેણીયા પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે. ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ તે કહેવત મુજબ લક્ષ્મણભાઈના બંને પુત્રો હસમુખભાઈ અને અલ્પેશભાઈ પણ પિતાના પગલે ચાલીને સમાજસેવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. આ જાહેરાતથી સમગ્ર પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.