સુરેન્દ્રનગર: જ્યારે કોઈ બાળક માત્ર અડધા કિલો જેટલા સામાન્ય વજન સાથે જન્મે, ત્યારે તબીબી વિજ્ઞાન માટે તે એક મોટો પડકાર બની જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના NICU વિભાગે માત્ર 560 ગ્રામ વજન ધરાવતા નવજાત શિશુને નવજીવન આપીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે.
આ માસૂમ બાળકે હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આશરે 3 મહિના એટલે કે 90 દિવસ સુધી જિંદગીની જંગ લડી હતી. તબીબોની રાત-દિવસની અવિરત દેખરેખના કારણે પ્રીમેચ્યોર બાળકોમાં અંધાપો લાવી શકતી ગંભીર બીમારી ‘ROP’ જેવી કોઈ પણ જટિલતા કે આડઅસર વિના બાળકનું વજન વધીને 1.5 કિલોગ્રામ થયું છે અને તેને સુરક્ષિત રીતે રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તબીબી ક્ષેત્રના ઇતિહાસમાં આટલા ઓછા વજનવાળા પ્રીમેચ્યોર બાળકને કોઈ પણ શારીરિક આડઅસર વિના બચાવી લેવાયો હોય તેવી આ પ્રથમ અદ્ભુત ઘટના છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. ભરત મુલિયા, ડો. કમલેશ રાઠોડ, ડો. રાધિકાબા વાઘેલા, ડો. ક્રિષ્ના મોરી અને સમગ્ર NICU ના નર્સિંગ સ્ટાફનું સમર્પણ અજોડ રહ્યું હતું.
અત્યાધુનિક ટેકનોલોજી અને ડૉક્ટર્સની ટીમની મહેનતના સમન્વયથી આ તબીબી ચમત્કાર શક્ય બન્યો છે, જેના કારણે આ નાનો જીવ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના પરિવાર સાથે ઘરે પરત ફર્યો છે.
