સમાજ સુધારણાના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ (Bharat Ratna) આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર (Memorandum) પાઠવવામાં આવ્યું છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી માળી સમાજના (Mali Samaj) આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભારત સરકાર સમક્ષ આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરી હતી.
માળી સમાજના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ફૂલે દંપતીએ પછાત વર્ગોના ઉત્થાન અને મહિલા શિક્ષણ (Women Education) માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેમણે બાળ હત્યા નિષેધ ગ્રુપ, ખેત મજૂરો માટે રાત્રિ શાળા અને મહિલા અનાથ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ સ્થાપીને સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા હતા. સાવિત્રીબાઈ ફૂલેએ અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને પણ મહિલાઓને શિક્ષિત અને પગભર કરવા માટે ઐતિહાસિક કાર્ય કર્યું છે.
સમાજ સુધારાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાનને ધ્યાને રાખીને, તેમને મરણોત્તર ‘ભારત રત્ન’ આપી સન્માનિત કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે. આ પ્રસંગે માળી સમાજના અગ્રણીઓએ ફૂલે દંપતીના જીવન સંઘર્ષ અને દેશ માટેની તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.