સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા એક વિશાળ ઝાડ અચાનક તૂટી પડ્યું હતું.
આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નગરપાલિકાની ટીમ અને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.
તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને જેસીબી અને અન્ય સાધનોની મદદથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 3 થી 4 કલાક સુધી રસ્તો બંધ રહ્યા બાદ ઝાડ દૂર કરવામાં આવ્યું હતું અને પુનઃ વાહનવ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
