સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, જોરાવનગર ખાતેના કોમ્યુનિટી હોલમાં યોજાનાર બીજા તબક્કાનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ છોડીને ભાડું ખર્ચીને અહીં પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓની ગેરહાજરી અને કાર્યક્રમ રદ હોવાની જાણ થતા તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
તંત્ર દ્વારા આ અચાનક ફેરફાર પાછળ પૂરતો સ્ટાફ ન હોવાનું અને વહીવટી તૈયારીઓના અભાવનું કારણ જણાવવામાં આવ્યું છે. આ અંગે ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ સેવા સેતુ કાર્યક્રમ આગામી 20 માર્ચના રોજ તે જ સ્થળે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડની કામગીરી, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર સહાય, આવકના દાખલા અને 7/12 ના ઉતારા જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તંત્રની આ લાપરવાહીને કારણે સેંકડો લોકોના સમય અને નાણાંનો વ્યય થયો છે, જેની સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.
