સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગમાં 6.41 કરોડના ખર્ચે નવા આધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે આ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવા વાહનોમાં 71 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્વિક રિસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ થાય છે, જે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. આ આધુનિક સાધનો 20 મીટરની ઊંચાઈ અને સાત માળ સુધીની ઈમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા સક્ષમ છે.
આ પ્રસંગે “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી જાન-માલનું નુકસાન અટકાવી શકાશે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગ્વાહાણેએ જણાવ્યું કે માર્ચ મહિનાના અંતિમ દિવસે શહેરીજનોએ 85 લાખના વેરાની ભરપાઈ કરી છે, જે બદલ તેમણે નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
