સુરેન્દ્રનગર અને ખમીસાણાને જોડતો નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વડોદરા પુલ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે આ પુલને જર્જરિત જાહેર કરી બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, લાંબો સમય વીતવા છતાં નવીનીકરણ કે સમારકામ શરૂ ન થતા આસપાસના 5 ગામના લોકોની ધીરજ ખૂટી છે. સ્થાનિકોએ આખરે કંટાળીને પુલની બંને તરફ માટીના પાળા હટાવી રસ્તો જાતે જ ખુલ્લો કરી નાખ્યો છે.
આ પુલની હાલત અત્યંત ગંભીર છે; નીચેના ભાગેથી પોપડા પડી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. તંત્રએ માત્ર પુલ બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી હતી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કે રિપેરિંગના અભાવે વાહનચાલકો હવે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.
દુધરેજ નર્મદા કેનાલ પરના અન્ય પુલોનું સમારકામ થઈ ગયું હોવા છતાં ખમીસાણા પુલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. જો ભવિષ્યમાં અહીં કોઈ મોટી જાનહાનિ સર્જાશે, તો તેનો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત પુલનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે.
