ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વિસ્તારમાં વસતા 1,000થી વધુ નાગરિકો ગંદકી અને અસહ્ય દુર્ગંધના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો વશરામભાઈ રબારી, ગલાલભાઈ અને ધીરૂભાઈ સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં 5 દિવસ વીતવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ગટરના પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, પીવાના પાણીના નળમાં પણ ગટરનું પ્રદૂષિત પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
