સુરેન્દ્રનગર જિલ્લામાં રફ્તારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. ધાંગધ્રા રોડ પર આવેલા કટુડા ગામ નજીક એક કાર અને બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે.
આ અકસ્માતમાં અન્ય 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે સર્જાયેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને નિયંત્રિત કરવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, ધાંગધ્રા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે આગળ જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ જેઠાભાઈ રબારી અને નાથાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને તાજેતરમાં જ તંત્ર દ્વારા 9 સ્થળોને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરવામાં આવ્યા છે. વારંવારની અપીલ છતાં ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. હાલ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
