સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે માટે કલેક્ટર K. S. Yajnik ના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી.
કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સપ્લાય ચેઈન જાળવી રાખવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો 100% પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
બેઠકમાં LPG સિલિન્ડરના ‘પેનિક બુકિંગ’ને રોકવા માટે એજન્સીઓ પર મોનિટરિંગ વધારવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં PNG નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત વિસ્તારોમાં વધારાના સિલિન્ડર સરેન્ડર કરાવવા જણાવાયું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી A. G. Gajjar એ માહિતી આપી હતી કે જિલ્લામાં યુરિયા અને DAP ખાતરનો પૂરતો સ્ટોક છે, તેમજ વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરી હતી કે કોઈપણ ચીજવસ્તુની કાળાબજારી કે ડાયવર્ઝન ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવું. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર વિશેષ તકેદારી રાખી રહ્યું છે. અંતમાં, વહીવટી તંત્ર દ્વારા જનતાને સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં H. T. Makwana અને Harshdeep Acharya સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
