સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સાયલા તાલુકાના સુદામડા ગામેથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને LCBએ બાતમીના આધારે સરકારી ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ટ્રકમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની કુલ 9,540 બોટલો મળી આવી હતી, જેની કિંમત 53.64 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી મંગાવવામાં આવ્યો હતો. પોલીસે 53.64 લાખનો દારૂ અને 15 લાખની કિંમતનો ટ્રક મળી કુલ 68.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મંગાવનાર કળમાદ ગામના ઉદયભાઇ દાદભાઈ કરપડા સહિત સાજીદ અહેમદ ખાન અને હાકમખાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. LCBની આ ઓચિંતી રેડથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
