દસાડા તાલુકાના પાટડીમાં 21 કરોડના ખર્ચે ચાલી રહેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રથમ તબક્કાના 7 કરોડના કામમાં તળાવની ફરતે બનાવાયેલો રિવરફ્રન્ટ રોડ લોકાર્પણના માત્ર બે જ મહિનામાં બિસ્માર થઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. રોડ પરથી કાંકરા ઉખડવા માંડતા અંતે તંત્રએ પોતે જ જેસીબી લગાવીને નવો બનેલો સીસી રોડ તોડવાની કામગીરી શરૂ કરી છે.
સ્થાનિક કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિના સગાને પેટા કોન્ટ્રાક્ટ આપી તકલાદી કામ કરવામાં આવ્યું હતું. જે રોડ વર્ષો સુધી ચાલવો જોઈએ તે બે મહિના પણ ટક્યો નહીં, જે સાબિત કરે છે કે સરકારી નાણાંનો મોટા પાયે વેડફાટ થયો છે. આ મામલે વિજિલન્સ તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને પાટડી નગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવાની માંગ ઉગ્ર બની છે.
