માલવણ હાઈવે પર નિષ્ઠુર લક્ઝરીવાળાએ માનવતા નેવે મુકી ગર્ભવતી મહિલાને રોડ પર ઉતારી દીધી
ગ્રામજનોએ કરાવી મહીલાની પ્રસુતિ
પાટડી: માનવતાને શર્મસાર કરનારી એક ઘટના જેમા પાટડી તાલુકાના નાની મજેઠી હાઈવે પર સ્થાનિક લોકોએ જે સંવેદનશીલતા દાખવી, તેના કારણે એક નવજાતનું જીવન સુરક્ષિત બન્યું છે. માલવણ હાઈવે પર ઉમિયા પેટ્રોલ પંપની સામે, મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસના નિર્દયી ચાલકે પ્રસુતિની ભારે પીડા અનુભવી રહેલી એક આદિવાસી મહિલાને હાઈવે પર જ ઉતારી મૂકી, ત્યાંથી ચાલી નીકળ્યો હતો.
અંધારી રાત્રે પીડાથી કણસતી મહિલાને જોઈને પેટ્રોલ પંપના સંચાલકો અને સ્થાનીકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. આ લોકોએ તાત્કાલિક માનવતા દાખવી ગામની બહેનોને બોલાવી હતી. ગામની બહેનોની મદદથી અને હાજર લોકોના સહકારથી હાઈવે પર જ મહિલાની સુરક્ષિત પ્રસુતિ કરાવવામાં આવી હતી.
સફળ પ્રસુતિ બાદ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈએમટી અને પાયલોટ સાથેની ૧૦૮ એમ્બ્યુલન્સે તાકીદે સ્થળ પર પહોંચીને માતા અને બાળક બંનેને હેમખેમ વિરમગામ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ માનવતાભર્યા કાર્ય બદલ મદદ કરનાર ગામની બહેનોનો અને ભાઇઓનો હાજર સૌ કોઈએ આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, પીડાદાયક સ્થિતિમાં ગર્ભવતી મહિલાને રસ્તામાં ઉતારી દેનારા લક્ઝરી બસના ચાલક સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરી હતી.
