- ડમ્પર સહિત રૂ.૧.૭૮ કરોડનો મુદામાલ જપ્ત
- વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
- સરપંચ અને તલાટી મંત્રી સામે પણ કાર્યવાહી
મુળીના ખાખરાળામાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ચાઈના ક્લેનું ખનન ઝડપાયું છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમે ડમ્પર સહિત રૂ.1.78 કરોડનો મુદામાલ જપ્ત કરી વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી સરપંચ અને તલાટી મંત્રી સામે કાર્યવાહી હાથ ધરી છે.
મુળી તાલુકાના ખાખરાળા ગામમાં આવેલા ધાવડીમાં મંદિર વિસ્તારની આસપાસ આવેલી સરકારી જમીનમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર સફેદ માટી (ચાઇના ક્લે.)નું ખનન ઝડપી પાડયું છે. દરોડા દરમિયાન સ્થળ પરથી ૦૧ ડમ્પર, ૦૩ ટ્રેક્ટર ટ્રોલી સાથે, ૦૨ ડમ્પર સહિત કુલ રૂ.૧.૭૮ કરોડનો મુદામાલ કબજે કરી તમામ મુદામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરનાર વાહન માલિક (૧) હરીભાઇ જોગરાણા રહે. ખાખરાળા તા.મુળી અને ડમ્પરના માલિક (૨) પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા રહે. રાયપર તા. ગઢડા જી.બોટાદ (૩) તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ રહે.ઉંમરડા તા. મુળી સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. તેમજ ખાખરાળા ગામના તલાટી ક્મ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
