સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના પ્રથમ દિવસે ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને આધુનિક વ્યવસ્થાપનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાત્રે 8 થી 10 દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાકારોએ પોતાની કળા પીરસીને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. રોશનીથી ઝળહળતા હવા મહેલના પટાંગણમાં લોકકલાના વિવિધ સ્વરૂપો જીવંત થયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ‘હુડો રાસ’ની ધૂમ મચાવી હતી. ત્યારબાદ કલાકારોએ અત્યંત જટિલ ગણાતું ‘ગોફ-ગૂંથણ’ નૃત્ય રજૂ કર્યું હતું, જેમાં દોરીની ગૂંથણી અને તેને ઉકેલવાની કળાએ સૌના દિલ જીતી લીધા હતા. મહોત્સવનું મુખ્ય આકર્ષણ નળકાંઠાના રામભાઈ પોપટભાઈ પઢાર અને સાથી કલાકારો દ્વારા રજૂ કરાયેલું વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ રહ્યું હતું. મંજીરાના તાલે રજૂ થયેલા આ નૃત્યએ પ્રેક્ષકોને ગ્રામીણ સંસ્કૃતિની ઝલક કરાવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ મિલેટ્સ (શ્રી ધાન્ય) માંથી બનેલી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વાદિષ્ટ આહારનો આનંદ માણ્યો હતો. બાળકો માટે બનાવવામાં આવેલો સ્પેશિયલ પ્લે એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મહોત્સવના બીજા દિવસે આજે લોકસાહિત્યના કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે.
