થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડાએ ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. વહેલી સવારે દીપડાએ 2 વાછરડા પર હુમલો કરતા 1 વાછરડાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 વાછરડાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઇજાગ્રસ્ત પશુને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટર પાસે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો અને પશુપાલકોમાં વન વિભાગ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આરોપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં અધિકારીઓ મોડા પહોંચ્યા હતા.
થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભય વધી ગયો છે. અગાઉ 30મી તારીખે જામવાડીમાં એક ગાયનું મારણ થયું હતું, જ્યારે થોડા દિવસ પહેલા સોનગઢમાં જ 8 પશુઓનો શિકાર દીપડાએ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 10થી વધુ પશુઓના મોત થયા હોવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે અને પશુપાલકોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
