મુળી તાલુકાના સરલા ગામમાં સરકારી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરનારા માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત 31-5-2025ના રોજ મોડી સાંજે બાતમીના આધારે સરલા ગામના તળાવમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા હિટાચી મશીન, 3 ડમ્પર અને 4 મોબાઈલ ફોન મળી કુલ 2,00,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સરકારી માલિકીની જમીન પર કોઈ પણ મંજૂરી વિના મોટા પાયે ખોદકામ કરી સફેદ માટીની ચોરી કરવામાં આવતી હતી. સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણી અને વાહનચાલકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ખનીજ ચોરી મુળીના જયપાલસિંહ કાઠીયા અને સરલાના મુકેશ જાદવ દ્વારા કરાવવામાં આવતી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી ખનીજ સંપત્તિ લૂંટવાના આ ગંભીર કૃત્ય બદલ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
મુળીના ઈન્ચાર્જ મામલતદાર વિજય છનાલાલ ચામડીયાએ આ મામલે 12મી માર્ચના રોજ મોડી સાંજે ખનીજ ગેરકાયદેસર રીત ખનન કરાવનાર (1) જયપાલસિંહ કાઠીયા (2) મુકેશ જાદવ ઉપરાંત ઝડપાયેલા વાહનોના માલીકો (3) વિજય વાઘજીભાઈ શીહોરા, (4) કાના મામૈયાભાઈ ખાંભલા, (5) અરજણ સગરામભાઈ કલોતરા (6) કાળુ મોતીભાઈ ખાંભલાનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ કેસની વધુ તપાસ એએસપી વેદીકા બહાની દ્વારા ચલાવવામાં આવી રહી છે.
