- સર્વરમાં ટેકનિકલ ખામીથી એજન્સીઓ પર કતારો લાગી
- બુકિંગમાં ૩૦ ટકા ઉછાળો આવતા ડિલવરી સ્ટાફ ખૂટયો
- ઓનલાઇન પેમેન્ટ એપ દ્વારા બુકિંગ કરવા ગ્રાહકોને અપીલ
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની અછત હોવાની ખોટી અફવા ફેલાતા ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે. શહેરમાં કાર્યરત 3 ઇન્ડિયન ઓઇલ અને 1 ભારત પેટ્રોલિયમ એજન્સી મળી કુલ 65,000થી વધુ કનેક્શન છે. સામાન્ય રીતે રોજના 1500થી 1600 સિલિન્ડરની માંગ સામે હાલ બુકિંગમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
લોકો ગભરાટમાં આવીને જરૂરિયાત વગર સંગ્રહખોરી કરી રહ્યા હોવાથી દરરોજ અંદાજે 400 જેટલા નવા બુકિંગ વધી રહ્યા છે. આ અચાનક આવેલા ઉછાળાને પહોંચી વળવા એજન્સીઓ પાસે પૂરતા ડિલવરી મેન ન હોવાથી વિતરણમાં વિલંબ થઈ રહ્યો છે અને કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે.
મિસ્ડ કોલ દ્વારા થતા બુકિંગના સર્વરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા લોકોમાં ડર બેસી ગયો હતો કે ગેસ મળશે નહીં, જેના પરિણામે એજન્સીઓની ઓફિસ પર લાંબી કતારો જોવા મળી હતી. ગેસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે સ્ટોકની કોઈ અછત નથી.
જો મિસ્ડ કોલ સર્વરમાં સમસ્યા હોય, તો ગ્રાહકો ફોન પે અથવા ગૂગલ પે જેવા ડિજિટલ માધ્યમોથી પણ બુકિંગ કરી શકે છે. એજન્સીઓએ નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા વિનંતી કરી છે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને સમયસર ગેસ મળી શકે.
