ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાએ આર્થિક તંગીના કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 10% વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદીએ રણછોડભાઈ ભરવાડ પાસેથી 1.30 લાખ, મેરાભાઈ ભરવાડ પાસેથી 4 લાખ, કલ્પેશભાઈ મેવાડા પાસેથી 3.50 લાખ, રમેશભાઈ ગમારા પાસેથી 1.50 લાખ, નિમુબેન કોળી પાસેથી 3 લાખ અને મહેશભાઈ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા.
યુવકે આ તમામ વ્યાજખોરોને મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને યુવકે પોતાની રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે અને તેની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસે એક મહિલા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
