સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વર્ષ 2025માં બનેલી શારીરિક અડપલાની ઘટનામાં ધ્રાંગધ્રા સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 30 જુલાઈ 2025ના રોજ જ્યારે 9 વર્ષની માસૂમ બાળકી શાળાએ જઈ રહી હતી, ત્યારે પાટડી વાલ્મિકી વાસના 55 વર્ષીય બાબુભાઈ ઉર્ફે ડોંગો નરશીભાઈ પુરબીયાએ તેનો પીછો કર્યો હતો. આરોપીએ બાળકીને ખાવાનું આપવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે શારીરિક છેડતી કરી કોઈને કહી દેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે 31 જુલાઈ 2025ના રોજ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસ ધ્રાંગધ્રાના સ્પેશિયલ જજ અને ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મુકેશકુમાર પ્રતાપભાઈ ચૌધરીની અદાલતમાં ચાલ્યો હતો. સરકારી વકીલ પ્રદ્યુમનસિંહ બી. મકવાણાએ દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે તેવી સજા થવી અનિવાર્ય છે. કોર્ટે 11 મૌખિક સાક્ષીઓ અને 14 દસ્તાવેજી પુરાવાઓ, જેમાં મેડિકલ રિપોર્ટ અને જન્મના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે, તેને ધ્યાને રાખીને આરોપીને દોષિત જાહેર કર્યો હતો. અદાલતે માનવતા નેવે મૂકનાર આ આધેડને 5 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
