ધ્રાંગધ્રા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી સત્તાવાર રીતે વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હવે વહીવટદાર તરીકે નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. આ ફેરફાર સાથે જ તમામ નગરસેવકોના હોદ્દા, સત્તા અને મળતી સરકારી સુવિધાઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠકનું સંખ્યાબળ હતું. 15 માર્ચે ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદારના શાસન હેઠળ માત્ર રોજિંદા અને સામાન્ય વહીવટી નિર્ણયો જ લેવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે, ત્યાં સુધી એટલે કે આશરે દોઢ મહિના સુધી પાલિકાનો વહીવટ પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
