ધ્રાંગધ્રા (Dhrangadhra) હાઇવે પર ફરી એકવાર જાહેરમાં મેડિકલ વેસ્ટ (Medical Waste) ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરની રામેશ્વર ટાઉનશિપસામે રોડની સાઇડમાં અને તળાવના કાંઠે દવાઓ તેમજ ઇન્જેક્શનનો (Injections) મોટો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સોલડી ગામ (Soldi Village) નજીક આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રકારની બેદરકારી વારંવાર દોહરાવવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસર (Dhrangadhra Health Officer) સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જોકે, સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં જવાબદાર તબીબો કે હોસ્પિટલ (Hospital) સંચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
જાહેરમાં ફેંકવામાં આવેલો આ જોખમી કચરો પર્યાવરણને (Environment) પ્રદૂષિત કરવા સાથે અબોલ પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને તળાવના કાંઠે દવાઓનો જથ્થો હોવાથી પાણી પ્રદૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકો દ્વારા માગ કરવામાં આવી છે કે આરોગ્ય વિભાગ (Health Department) આ મામલે ઊંડી તપાસ કરે અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે.