ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતી ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક સમયે અત્યંત પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓનો ભોગ બની રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, કોઈ અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓ લાવીને નદીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને કારણે નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું છે. બનાવની જાણ થતા જ નગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની સફાઈ કામગીરી શરૂ કરી હતી. જીવદયા પ્રેમીઓ અને નાગરિકોએ આ કૃત્ય કરનારા દોષિતોને તાત્કાલિક શોધી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તેમજ ફલકુ નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.
