સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જમીનના દસ્તાવેજમાં છેતરપિંડી કરવાના ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ધાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ લકુમ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીએ આર્થિક મદદ માટે 06 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે આરોપીઓએ છેતરપિંડી આચરી જમીનનો 25% હિસ્સો પોતાના નામે કરાવી લીધો હોવાનો આક્ષેપ હતો. આ મામલે પોલીસે સંજય સરૈયા, ચંદ્રેશ ગોલતર અને સુરેશ રાતડિયાની અટકાયત કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.
ધાંગધ્રા સીટી પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કાયદાકીય દલીલો બાદ ધ્રાંગધ્રા કોર્ટે આ પ્રકરણમાં મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, જમીનનો દસ્તાવેજ સત્તાવાર રીતે રજિસ્ટ્રાર સમક્ષ થયો હોવાથી આ મામલો પ્રથમ દ્રષ્ટિએ ફોજદારી છેતરપિંડીને બદલે ‘સિવિલ મેટર’ (દીવાની પ્રકારનો કેસ) જણાય છે. કોર્ટના આ અવલોકન સાથે જ ત્રણેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા અને તેમને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો હતો.
આ કેસમાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં દસ્તાવેજ કરનાર અને સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ વિભાગ હવે આ મામલે સિવિલ પાસાઓની પણ તપાસ કરી રહ્યો છે. કોર્ટના આ નિર્ણયથી જમીન મિલકતના વિવાદોમાં પોલીસ અને સિવિલ કોર્ટની કાર્યક્ષેત્રની મર્યાદાઓ અંગે સ્થાનિક સ્તરે મોટી ચર્ચા જાગી છે. હાલમાં ત્રણેય શખ્સો જેલના સળિયા પાછળ છે અને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. 19 માર્ચ 2026 ના રોજ આવેલા આ કોર્ટના ચુકાદાએ પોલીસની તપાસ પદ્ધતિ અને જમીનના સોદામાં કાયદાકીય ગૂંચવણોને ફરી સપાટી પર લાવી દીધી છે.
