ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનારા બે મુખ્ય આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 3 માર્ચના રોજ ચાર શખ્સોએ પચાસ હજારની ખંડણી માંગી દંપતી પર ધારિયા વડે હુમલો કર્યો હતો અને સોનાનું મંગળસૂત્ર તથા રોકડ મળી કુલ 1 લાખની લૂંટ ચલાવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને શનિવારે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવી કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસની પ્રક્રિયાને આગળ વધારવા અને લૂંટાયેલા મુદ્દામાલની વધુ વસૂલાત માટે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરાર અન્ય સાગરીતોની ધરપકડ બાદ હવે પોલીસ લૂંટના આ કેસમાં વધુ ઊંડી તપાસ હાથ ધરી રહી છે.
