ધ્રાંગધ્રા પંથકમાં શિયાળુ પાકની મોસમ પૂર્ણતાના આરે છે ત્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની ધૂમ આવક શરૂ થઈ છે. હાલમાં યાર્ડમાં દરરોજ 20,000 મણ જીરાની આવક નોંધાઈ રહી છે, જેના કારણે યાર્ડ પરિસર ખેડૂતોના વાહનોથી ઉભરાઈ ગયું છે.
બજારમાં નવા જીરાના ભાવ 20 કિલો (1 મણ) દીઠ રૂ. 4100 બોલાતા વેપારીઓ દ્વારા મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર, ટેમ્પા અને ટ્રક ભરીને આવતા માલને કારણે વેપારી મથકો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
જોકે, વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલને કારણે બજારમાં તેજી-મંદી અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વેપારી જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલ ભાવ સ્થિર છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોતા ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ છે. ખેડૂત પ્રતિનિધિઓ ભરતભાઈ અને પ્રેમજીભાઈએ જણાવ્યું કે 4100ના ભાવથી હાલ ખેડૂતોને રાહત મળી છે, પરંતુ ક્યાંક વૈશ્વિક મંદીનો ડર પણ સતાવી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
