સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
એપ્રિલ 2026 માં યોજાનારી મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પહેલા જ વિરોધ પક્ષના મજબૂત ગણાતા સરપંચો અને આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. આ પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે અને ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.
વિગતો મુજબ, કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ અને મોટા કાંધાસરના સરપંચ વિરમભાઈ સોળમિયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ ભાજપનો છેડો પકડ્યો છે.
આ સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર અને અન્ય હોદ્દેદારોએ આ તમામ નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી પહેલા જ થયેલા આ મોટા ફેરબદલથી વિપક્ષની સ્થિતિ નબળી પડી હોવાનું મનાય છે.
